Gujarati Bal Varta

Gujarati Bal Varta : મિત્રો અહી ગુજરાતી સાહિત્યની અને ખુબ જ પ્રાચીન યાદગાર બાળવાર્તાઓ નો સંગ્રહ આપ સૌ માટે મુકી રહ્યા છીએ, આ બાળવાર્તાઓ આપને બાળપણની યાદ અપાવશે એ ચોક્કસ. જે વાર્તા વાંચવી હોય તેના પર ક્લીક કરો. આ પોસ્ટમાં નવી નવી વાર્તાઓ ઉમેરવામાં આવશે તો લીંક સાચવીને રાખશો.

બાપા  કાગડો… હા  બેટા  કાગડો

એક ગામમાં એક વેપારીની કરિયાણાની નાની દુકાન હતી. આ વેપારી આખો દિવસ દુકાનમાં બેસી ચીજ વસ્તુ વેંચે. વેપારનો હિસાબ એક ચોપડામાં લખે.

આ વેપારીનો દીકરો નાનો હતો ત્યારે દુકાને આવીને રમે. દુકાનની સામે ઝાડ પર કાગડો બેસીને કા..કા કર્યા કરતો. નાનો બાળક એના બાપને કહ્યા કરે:

“બાપા જુઓ આ કાગડો..”

વેપારી ચોપડામાં માથું નાખી કામ કરતા જાય અને દીકરાને જવાબ આપતા જાય:

“હા બેટા કાગડો..”.

આવું વારંવાર થાય એમાં વેપારી ભૂલથી ચોપડામાં લખી નાખે:

“બાપા જુઓ આ કાગડો..હા બેટા કાગડો”

વર્ષો પછી વેપારી ઘરડો થઇ ગયો અને એનો દીકરો યુવાન થઇ ગયો એટલે દીકરાએ દુકાન સંભાળી લીધી. ઘરડો બાપ કોઈ કોઈ વાર દુકાને આવીને બેસે અને દીકરા સાથે વાત કરવા લાગે. દીકરાને કામમાં ખલેલ પડે એટલે એ બાપને ધમકાવે અને મુંગા બેસી રહેવા કહે. ઘણી વાર તો બાપનું અપમાન પણ કરી લે. એક વાર ઘરડા વેપારીએ દુઃખી થઈને દીકરાને કાંઇક સમજાવવા વિચાર્યું. એણે વર્ષો જુના હિસાબના ચોપડાઓ દીકરા પાસે મૂકી દીધા.

દીકરાએ આ ચોપડાઓ જોયા તો એમાં વાંચ્યું:

“બાપા જુઓ આ કાગડો..હા બેટા કાગડો”.

દીકરાને એના બાળપણની વાત યાદ આવી ગઈ કે પોતે સતત રમત કર્યા કરતો અને આવું બોલ્યા કરતો ત્યારે એના બાપ જરાયે અકળાયા વગર એને જવાબ આપ્યા કરતા એમાં જ એમનાથી ભૂલમાં આવું લખાઈ ગયું હતું. દીકરાને ખુબ જ પસ્તાવો થયો કે એના બાપે જરાયે અકળાયા વગર એને આવા લાડ લડાવ્યા હતા જયારે પોતે તો ઘરડા થઇ ગયેલા બાપનું અપમાન કરે છે અને એમને વાત જ નથી કરવા દેતો. ત્યાર પછી દીકરો બાપનું ક્યારેય અપમાન ન કરતો અને એમની સાથે વાતો કરીને એમને આનંદમાં રાખતો.=> ઘરડા મા-બાપનું ક્યારેય અપમાન ન કરવું. એમણે આપણે નાના હતા ત્યારે આપણી બધી જ ધમાલ-મસ્તી સહન કરીને આપણને ખુશ રાખ્યા હતા તો જયારે આપણે મોટા થઇ જઈએ અને મા-બાપ ઘરડા થઇ જાય ત્યારે એમની સાથે પ્રેમથી વાતો કરીને એમને આનંદમાં રાખવા જોઈએ.

વિક્રમ વેતાળની કહાની

નાના ભાઈ ભર્તુહરિના સંન્યાસ લીધા પછી વિક્રમે ગાદી સંભાળી અને સુખેથી રાજપાટ ચલાવવા લાગ્યા. તેને હરાવનારું દૂર દૂર સુધી કોઈ ન હતું.

એક દિવસ નગરમાં શાન્તિશીલ નામના એક યોગીનું આગમન થયું. તેણે માથા પર ભભૂત લગાવેલી હતી. હાથ અને ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરેલી હતી. ભગવા વસ્ત્રો પહેર્યા હતા. તેના મસ્તક ને જોઈને તો કોઈને પણ તે મહાન યોગી લાગ્યા વિના ન રહે.

યોગીએ રાજાને કહ્યું, ‘મહારાજ… ગોદાવરી નદીના કિનારે એક સ્મશાન છે. એ સ્મશાનમાં હું એક મંત્ર સિદ્ધ કરી રહ્યો છું. એ મંત્ર સિદ્ધ થઈ જશે તો મારું મનોરથ પૂર્ણ થઈ જશે. તું બસ રાત્રીના મારી પાસે તારા હથિયાર લઈ આવી જજે.’

રાજાએ તુરંત ગરદન ઘુમાવી અને હા કહી દીધું. રાજાની હા સાથે જ યોગીએ તેને રાતના સ્મશાનમાં પધારવાનો સમય કહી દીધો.

વિક્રમ રાજા ત્યાં પહોંચ્યા. ગોદાવરી નદીના કિનારે સ્મશાન હતું. આસપાસ તો શું? પણ દૂર દૂર સુધી કોઈ ન હતું. મનુષ્ય જ નહીં પ્રાણી પણ નહીં. સ્મશાન એક ગુફા જેવું હતું. ગુફાની આસપાસ ચામાચીડિયા લટકી રહ્યા હતા. અંધારામાં તેની આંખો બિહામણી લાગતી હતી. રાજા વિક્રમે જોયું તો યોગી અગ્નિકુંડની સામે ધૂણી ધખાવીને ધ્યાનમાં લીન હતા. તેણે બંધ આંખે જ કહી દીધું, ‘આવ મહારાજ આવ.’

આટલું બોલતા જ યોગીની ઉપર ઉડી રહેલા ભૂત-પ્રેત અને પીશાચો જંગલમાં દૂર ક્યાંક ચાલ્યા ગયા. જેના પર રાજા વિક્રમનું હજી સુધી ધ્યાન જ નહોતું પડ્યું.

‘બોલો યોગીજી મારા માટે શું આજ્ઞા છે?’

યોગીએ કહ્યું, ‘રાજન્ આટલી ભયાનક જગ્યાએ આવતા તને ડર ન લાગ્યો. હું જો દાડમમાંથી હીરા કાઢી શકતો હોઉં તો તારા જેવા મનુષ્ય સાથે શું શું કરી શકું?’

‘ના યોગીજી તમારું ઋણ છે મારા પર અને ઋણ ત્યારે જ કોઈ રાખે છે જ્યારે તેને પોતાની પહોંચથી દૂર રહેલી વસ્તુ પ્રાપ્ત કરવી હોય.’

‘ઠીક છે. તો સાંભળ રાજન્ અહીંથી દક્ષિણ દિશામાં જઈશ એટલે દૂર એક સ્મશાન આવેલું છે. એ સ્મશાનમાં એક સિદ્ધવડ આવેલું છે. એ સિદ્ધવડના ઝાડ પર એક મડદું લટકે છે. એને તું મારી પાસે લઈ આવ ત્યાં સુધી હું પૂજા કરું છું. એ મડદાને તું મારી પાસે લાવીશ એટલે મારી સમગ્ર વિધિ સંપન્ન થઈ જશે.’ આટલું કહી યોગીએ આકાશ તરફ જોયું અને ખડખડાટ હસ્યો, ‘આજની રાત લાંબી પસાર થવાની છે….’

વિક્રમે વાત સાંભળી અને બે હાથ જોડી નમન કરી ત્યાંથી ચાલી નીકળ્યો. સિદ્ધવડ તરફ જતો રસ્તો ખૂબ જ ભયાનક હતો. ચારેબાજુથી જાનવરોના અવાજ આવી રહ્યા હતા. ભૂત-પ્રેત અવાજ કરી રહ્યા હતા. રાજાને અંધારામાં એક એક ડગલું ધ્યાનથી રાખવું પડતું હતું. સાંપ આવી ગમે ત્યારે પગમાં આટી મારી ચડી જતા હતા. રાજાને સિદ્ધવડ સુધી જતા રોકવા માટે રસ્તા પર આવતી દરેક વસ્તુ તેને તેના ધ્યેયથી ડગમગાવતી હતી. રાજા તલવાર ખુલ્લી રાખીને ચાલતો હોય ત્યાં તો નજીકમાં આવેલો પથ્થર પણ ગબડીને પડે.

એ સ્મશાન પાસે પહોંચી ગયો. યોગીના સ્મશાન કરતા પણ આ સ્મશાન અધિક ભેંકાર લાગતું હતું. એક સિંહ ગર્જના કરી રહ્યો હતો. અચાનક તે દોડ્યો અને પસાર થતા હરણ પર તૂટી પડ્યો. રાજા ડર્યા વિના સ્મશાનની અંદર પ્રવેશ્યો. સ્મશાનની અંદરથી સિદ્ધવડ સુધી પહોંચવા જાય છે ત્યાં ઉપરથી એક સાંપ તેની માથે પડ્યો. તેની ગરદન અને છાતીને ભીંસવા લાગ્યો. રાજાએ મહામુસીબતે તેનાથી છૂટકારો મેળવ્યો.

વિક્રમ આગળ ચાલવા જતો જ હતો ત્યાં એક ગાંડો હાથી તેના રસ્તા વચ્ચેથી પસાર થયો. રાજા સમયસૂચકતા વાપરીને ત્યાંથી ઠેકડો મારી છટકી ગયો. તેને ભારે આશ્ચર્યું થયું કે આ કંઈ જેવું તેવું સ્મશાન તો નથી જ. એક સ્મશાનમાં હાથી, સાંપ અને સિંહ જેવા ખૂંખાર જાનવરો.

તે આગળ વધતો ગયો અને પહોંચી ગયો સિદ્ધવડની પાસે. સિદ્ધવડ સળગી રહ્યો હતો. રાજા વિક્રમ આવ્યો અને આગ ઠરી ગઈ. રાજાને મનમાં થયું કે, ‘દેવે કહ્યું એ આ જ વાત લાગે છે.’

સિદ્ધવડ ઊંચું હતું. રાજાએ ઉપર જોયું તો દોરડાથી બાંધેલું એક મડદું લટકતું હતું. તેનું શરીર આખુ સફેદ હતું. રાજા ઝાડ પર ચડી ગયો અને તલવારથી દોરડું કાપી નાખ્યું. મડદુ ધડામ કરતું નીચે પડ્યું.

‘હવે આને લઈ જાઉં.’ રાજા બોલતો બોલતો સિદ્ધવડ પરથી ઉતરી અને મડદાને લેવા જતો જ હતો ત્યાં મડદું રડવા લાગ્યું, ‘આહાહહાહાહા…. ઓઓઓઓઓ…’

રાજા પાછો મૂંઝવણમાં મૂકાયો. તેને કૌતુક થયું. તેણે મડદાની નજીક આવી પૂછ્યું, ‘તું કોણ છે?’

મડદાએ જવાબ ન આપ્યો. રાજાએ ફરી પૂછ્યું, ‘તું કોણ છે?’

મડદું જોરજોરથી હસવા લાગ્યું, ‘હા… હા…..હા…. હા….’

‘તું એમ નહીં માને.’ રાજા તેની નજીક ગયો તો મડદું ઉડ્યું. ઉડીને ફરી સિદ્ધવડ પર ઉલટું લટકી ગયું. રાજા ફરી ઉપર ગયો તો મડદું નીચે આવી ગયું. રાજા નીચે આવ્યો તો મડદું ઉપર ચાલ્યું ગયું. આ રમત તો ચાલી પૂરજોશમાં. રાજા ઉપર તો મડદું નીચે અને મડદું ઉપર તો રાજા નીચે. આખરે રાજાએ મડદું નીચે હતું ત્યારે કૂદકો માર્યો અને પકડી લીધું. હવે રાજા કોઈ વાર મડદા ઉપર ચડી તેને પકડવાની કોશિશ કરે તો મડદું ભાગવાની કરે. રાજા તેને પકડીને પૂછતો જાય, ‘બોલ કોણ છો તું?’

મડદું કંઈ બોલ્યું નહીં.

રાજાએ મડદાને પકડી પોતાની પીઠ પર લાદી દીધું અને ચાલવા લાગ્યો. મડદાએ વિક્રમના સવાલનો હવે છેક જવાબ આપ્યો અને પ્રતિ પ્રશ્ન પણ કર્યો, ‘રાજન મારું નામ વેતાલ છે. તું કોણ છે ? જવાબ દે.’

રાજાએ જવાબ આપ્યો, ‘હું ધારાનગરીનો રાજા વીર વિક્રમ છું. તને યોગી પાસે લઈ જવા આવ્યો છું.’

વેતાલે કહ્યું, ‘હું એક શરત પર તારી સાથે ચાલું. જો તું રસ્તામાં બોલીશ તો હું ઉડીને ફરી સિદ્ધવડ પર ચાલ્યો જઈશ.’

રાજાએ શરતનો સ્વીકાર કર્યો.

શરતનો સ્વીકાર થતાં જ વેતાલ બોલ્યો, ‘પંડિત, ચતુર અને જ્ઞાની તેના દિવસો તો સારી સારી અને મીઠી મીઠી વાતોમાં જ વીત્યા રાખે છે. જ્યારે મુર્ખાઓના દિવસો ઝઘડા અને ઊંઘમાં. સારું તો એ જ કહેવાય રાજન્ કે આપણી વાતો પણ સારી સારી સારી વાતોમાં જ પસાર થાય. હું તને એક વાર્તા સંભળાવું લે…

બંધ બેસતી પાઘડી પહેરી….

એક ગામમાં ગોવિંદ નામના ખેડૂત રહેતા હતા. તે ગામના મુખી હતા.

એક વખત પવિત્ર શ્રાવણ મહીનામાં ગામવાસીઓએ એક કથાનું આયોજન કર્યું. લોકો દિવસ દરમ્યાન કામ કરતા અને સાંજે કથામાં જતા. એક મહાત્મા કથા કહેતા.

એક દિવસ મુખી ગોવિંદ એમના ખેતરે જતા હતા. એમણે જમીન પર એક બોર પડેલું જોયું. એમને બોર ખાવાની ઈચ્છા થઇ ગઈ. એમણે આસપાસ નજર કરી કે કોઈ જોતું તો નથી ને. ત્યાં નજીકમાં કોઈ નહોતું એટલે તેઓ જમીન પરથી બોર ઉપાડીને ખાઈ ગયા.

સાંજે તેઓ ગામના બીજા લોકો સાથે કથા સંભાળવા ગયા. કથા પૂરી થઇ ત્યારે કોઈએ મહારાજને પૂછ્યું કે કાલે શેની કથા કરવાના છો? મહારાજે કહ્યું કે “કાલે તો ગોવિંદના ગુણ ગવાશે”. મહારાજનું કહેવું હતું કે “ગોવિંદ” એટલે કે ભગવાન શ્રીકૃષ્ણની કથા કરશે. ભગવાન શ્રીકૃષ્ણનું એક નામ ગોવિંદ પણ છે. મુખી ગોવિંદ સમજ્યા કે મહારાજ એમના વિષે વાત કરે છે! એમને લાગ્યું કે નક્કી મહારાજ એમને નીચે પડેલું બોર ખાતા જોઈ ગયા હશે એટલે તેઓ આખા ગામને આ વાત કરવા માંગે છે!

આથી મુખીએ મહારાજને ભેટ આપીને ખુશ કરવા નક્કી કર્યું. મુખી મહારાજને મળવા ગયા અને ફળો ધર્યા. મુખીએ વિચાર્યું કે હવે મહારાજ કોઈને એમની વાત નહીં કરે. ફરીવાર કથાને અંતે કોઈએ મહારાજને પૂછ્યું કે બીજે દિવસે તેઓ શેની કથા કહેશે? મહારાજે કહ્યું કે તેઓ ગોવિંદની (ભગવાન શ્રીકૃષ્ણની) કથા કહેશે. મુખી ગોવિંદ સમજ્યા કે મહારાજને હજી વધારે ભેટ આપવી પડશે જેથી તેઓ પોતાની વાત ન કરે. આથી મુખીએ મહારાજને વસ્ત્રો આપ્યા.

આવું રોજ થોડા દિવસ ચાલ્યું. મહારાજ ગોવિંદ એટલે કે ભગવાન શ્રીકૃષ્ણ વિષે કહેતા હતા જયારે મુખી ગોવિંદ સમજતા કે મહારાજ આ રીતે એમને ધમકી આપે છે કે તેઓ એમની વાત બધાને કહી દેશે. આથી મુખી મહારાજને ફળો,વસ્ત્રો,પૈસા વિ. ભેટ આપ્યે જ ગયા.

થોડા દિવસ પછી મુખીએ વિચાર્યું કે મહારાજ તરફથી મળતી આ “ધમકીઓ”નો અંત લાવવો જ પડશે. કથાને અંતે મહારાજે જયારે કહ્યું કે તેઓ ગોવિંદની કથા કહેશે ત્યારે મુખી ગોવિંદ એમની સામે ગુસ્સે થઇ ગયા.

એમણે જાતે જ એમની વાત ગામ લોકોને કહી. એમણે કહ્યું કે એક દિવસ એમણે નીચે પડેલું બોર ખાધું હતું અને કદાચ આ મહારાજ તે જોઈ ગયા હશે. ત્યારથી રોજ મહારાજ “ગોવિંદના ગુણ ગવાશે, ગોવિંદના ગુણ ગવાશે…” એમ કહેતા એમને ધમકી આપે છે કે આ વાત બધાને કહી દેશે. ગામ લોકોએ મહારાજને પૂછ્યું કે આ સાચી વાત છે? મહારાજ કહે કે એમને તો આવી કોઈ વાતની ખબર જ નથી.તેઓ તો “ગોવિંદના ગુણ” એટલે ભગવાન શ્રીક્રષ્ણની કથા વિષે કહેતા હોય છે.

આમ મુખી ગોવિંદે “બંધ બેસતી પાઘડી પહેરી લીધી”! ગામ લોકો એમની પર ખુબ હસ્યા.

પોપટ અને કાગડાની વાર્તા

એક બગીચામાં જુદા જુદા વૃક્ષો ઉપર જાત જાતના પક્ષીઓ રહે છે. એક ઝાડ પર એક પોપટનું કુટુંબ અને એક કાગડાનું કુટુંબ રહે છે. એમના બચ્ચાંઓ સાથે સાથે જ મોટા થયા છે. તેઓ ત્યાં જ મોટા થઈને યુવાન બની ગયા. એક દિવસ પોપટે એની માને કહ્યું કે તે નજીકમાં આવેલા જંગલમાં કમાવા જવા માંગે છે. માને ચિંતા તો થઇ પણ એણે પોપટને જંગલમાં જવા રજા આપી અને થોડા દિવસોમાં જ પાછા આવી જવા કહ્યું.

પોપટ જંગલમાં જઈને એક તળાવ કિનારે આંબાના ઝાડ પર રહેવા લાગ્યો. એ ત્યાં મઝાથી બેસતો, ઝુલા ઝુલતો અને કેરીઓ ખાતો. એક દિવસ એણે એના ગામના એક ભરવાડને જોયો એટલે એણે એની માને સંદેશ આપવા વિચાર્યું. એણે ખુબ જ નમ્રતાથી ભરવાડને વિનંતી કરી અને ગાવા લાગ્યો:

“ભાઈ ગાયના ગોવાળ, ભાઈ ગાયના ગોવાળ,

મારી માને એટલું કહેજે, મારી માને તેટલું કહેજે,

પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી,

પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ

બેસી મઝા કરે”.

ભરવાડે એની ખાતરી આપી કે તે ગામમાં જઈને એની માને એનો સંદેશ આપશે.

પોપટ થોડા દિવસ જંગલમાં રહીને કેરીઓ અને મીઠાં ફળો લઈને ઘરે આવ્યો. તે ગાવા લાગ્યો:

“ઢોલિયા ઢળાવો,

પાથરણાં પાથરવો,

પોપટભાઈ કમાઈને આવ્યા,

પોપટભાઈ કેરીઓ લાવ્યા,

પોપટભાઈ મીઠાં ફળો લઇ આવ્યા”.

એણે એની પાંખો ખોલી અને એમાંથી કેરીઓ અને મીઠાં ફળો બહાર કાઢ્યાં. પોપટભાઈની પ્રગતિ જોઇને ઝાડ પર રહેતાં બીજાં પક્ષીઓ બહુ ખુશ થયાં.

આ જોઇને કાગડાના કુટુંબે પણ કાગડાભાઇને જંગલમાં જઈને કાંઇક કમાઈ લાવવા કહ્યું. કાગડો આળસુ હતો એટલે એ જંગલમાં નહોતો જવા માંગતો. એની માએ એને પરાણે ધકેલ્યો એટલે એણે રડારડ કરી મૂકી અને દુઃખી થઈને ગયો. એ કાદવ કીચડ વાળી ગંદી જગ્યાએ જઈને બેઠો. એ ગંદકી અને જીવડાં ખાવા લાગ્યો. એણે જયારે એના ગામના ભરવાડને જોયો ત્યારે એની સામે બૂમો પાડીને હુકમ આપતો હોય એમ બોલ્યો:

“એ ગોવાળિયા, એ ગોવાળિયા,

મારી માને જઈને એટલું કહેજે તેટલું કહેજે

કે કાગડો ભૂખ્યો નથી, કાગડો તરસ્યો નથી,

કાગડો કાદવમાં મઝા કરે, કાગડો ગંદકીમાં મઝા કરે”.

ભરવાડ કાગડાની ઉદ્ધતાઈ જોઇને ગુસ્સે થઇ ગયો. એણે કાગડાનો સંદેશ લઇ જવાની ના પાડી દીધી.

થોડા દિવસ બાદ કાગડો કાદવ-કીચડ અને ગંદકી લઈને ઘરે આવ્યો. ઘરે આવીને એ બૂમો પાડવા લાગ્યો:

“ઢોલિયા ઢળાવો,

પાથરણાં પથરાવો,

કાગડાભાઇ કમાઈને આવ્યા,

કાગડાભાઇ કાદવ-કીચડ લઇ આવ્યા,

કાગડાભાઇ ગંદકી લઇ આવ્યા”.

ઝાડ પર રહેતાં પક્ષીઓ કાગડા ઉપર ખુબ જ ગુસ્સે થઇ ગયા અને કાગડાને ઝાડ પરથી ભગાડી મુક્યો.જો આપણે પોપટની જેમ સારા અને નમ્ર બનીએ તો લોકો આપણને પ્રેમ કરશે. પરંતુ જો આપણે કાગડાની જેમ ઉદ્ધત બનીએ તો લોકો આપણને પ્રેમ નહિ કરે.

દલો તરવાડી અને વશરામ ભૂવાની વાર્તા

એક ગામમાં વશરામ ભુવા નામનો એક ખેડૂત રહેતો હતો. એને શાકભાજીની વાડી હતી. એ ગામમાં દલા તરવાડી નામનો એક કંજૂસ માણસ રહેતો હતો. એ હંમેશા ચીજ વસ્તુઓ સસ્તામાં જ ખરીદવાના રસ્તા શોધ્યા કરતો.

એક દિવસ દલા તરવાડી, વશરામ ભુવાની વાડી પાસેથી પસાર થતા હતા. એમણે જોયુંકે વાડીમાં કોઈ નહોતું. એમણે થોડું શાક ચોરી લેવાનું વિચાર્યું. તે રીંગણાંના છોડ પાસે ગયા. એમણે પોતાની જાત સાથે જ વાત કરી કે ચોરી કરવી એ પાપ છે એટલે એમણે વાડીની સંમતિ લેવી જોઈએ.

એમણે વાડીને પૂછ્યું:

“વાડી રે વાડી!”

પછી એમણે જાતે જ વાડી તરીકે જવાબ આપ્યો:

“હા બોલો, દલા તરવાડી”.

પાછા એમણે વાડીને પૂછ્યું:

“રીંગણાં લઉં બે ચાર?”

એમણે જાતે જ વાડી તરીકે જવાબ આપ્યો:

“લ્યોને ભાઈ દસ બાર!”

આમ એમણે થોડાં રીંગણાં લઇ લીધાં અને જાતે જ સંતોષ માન્યો કે એમણે રીંગણાંની ચોરી નથી કરી પણ વાડીની સંમતિ લીધી છે.

આ રીતે દલા તરવાડી દરરોજ વાડીમાંથી જુદા જુદા શાકભાજી લઇ જવા લાગ્યા. વાડીના માલિક વશરામ ભુવાએ જોયું કે દરરોજ એમની વાડીમાંથી થોડાં શાકભાજી ચોરાઈ જાય છે. આથી એમણે પહેરો ભરવાનું નક્કી કર્યું.

તેઓ એક વૃક્ષની પાછળ સંતાઈ ગયા અને જોવા લાગ્યા કે કોણ શાકભાજી ચોરી જાય છે. એવામાં દલા તરવાડી વાડીમાં આવ્યા. એમણે શાકભાજી લઇ જવા માટે વાડીની સંમતિ માંગી. પછી જાતે જ વાડી તરીકે જવાબ આપીને શાકભાજી લઇ જવાની સંમતિ આપી.

વશરામ ભુવાએ દલા તરવાડીને પકડ્યા. દલા તરવાડી કહે કે તેઓ ચોરી નથી કરતા પણ વાડીને પૂછીને શાકભાજી લઇ જાય છે. વશરામ ભુવા આવા ચોર પર બહુ ગુસ્સે થઇ ગયા. એમણે દલા તરવાડીને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. તેઓ દલા તરવાડીને એક કૂવા પાસે લઇ ગયા.

વશરામ ભુવાએ કુવાને પૂછ્યું:

“કૂવા રે ભાઈ કૂવા!”

પછી એમણે જાતે જ કૂવા તરીકે જવાબ આપ્યો:

“હા બોલો વશરામ ભુવા!”

વશરામ ભુવાએ કૂવાને પૂછ્યું:

“ડૂબકી ખવડાવું ત્રણ ચાર?”

પછી એમણે જાતે જ કૂવા તરીકે જવાબ આપ્યો:

“ડૂબકી ખવડાવોને દસ બાર!”

વશરામ ભુવાએ દલા તરવાડીનું મોઢું કૂવાના પાણીમાં દસ બાર વખત ડૂબાડયું. દલા તરવાડી રોવા લાગ્યા અને વશરામ ભુવાને કહેવા લાગ્યા કે ફરી ક્યારેય ચોરી નહીં કરે.

આમ વશરામ ભુવાએ દલા તરવાડીની જ યુક્તિ વાપરીને એમને પાઠ ભણાવ્યો. જેવા સાથે તેવા!

આવી જ ગુજરાતી બાળ વાર્તાઑ વાંચવા માટે નિયમિતપણે અમારી વેબસાઇટ LatestYojana.in તપાસ્તા રહો.