બંગાળની ખાડીમાં સર્જાયા એકસાથે 2 લો પ્રેશર, ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી એકસાથે 2 લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં 13મીએ ભારે વરસાદની શક્યતા : બંગાળની ખાડીમાં સર્જાયેલું વેલમાર્ક લો-પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશના પૂર્વ ભાગમાં પહોંચ્યું છે. બીજી બાજુ સૌરાષ્ટ્રના ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર ઉપર એક નવી લો-પ્રેશર સિસ્ટમ બની છે. સંભાવના છે કે, આગામી 48 કલાકમાં આ લો-પ્રેશર પશ્ચિમ તરફ આગળ વધશે.

બંગલાની ખાડીમાં સર્જાયા લો પ્રેશર

આ બંને સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતમાં 12 ઓગસ્ટે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ભારેથી અતિભારે તેમજ મહેસાણા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે 11 અને 13 ઓગસ્ટના રોજ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં 39 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ પોશીનામાં દોઢ ઇંચ, ધાનેરામાં દોઢ ઇંચ, દાંતા અને દાંતીવાડામાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો હતો

જ્યારે ઉત્તર ગુજરાતમાં આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે મહેસાણા તેમજ અરવલ્લીના ભાગોમાં છૂટા છવાયા સ્થળોએ હળવો થી ભારે વરસાદ વરસી શકે છે.

મધ્ય અને દક્ષીણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

જ્યારે મધ્ય ગુજરાતમાં આજે અમદાવાદ, ખેડા અને મહીસાગરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ગાંધીનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, અરવલ્લી અને છોટાઉદેપુર જિલ્લાના વિસ્તારોમાં હળવા થી ભારે વરસાદની શક્યતા છે.

જ્યારે દક્ષિણ ગુજરાતમાં આજે સુરત, નવસારી અને વલસાડ તેમજ નર્મદાના વિસ્તારોમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે તાપી, ડાંગ અને ભરૂચમાં હળવો વરસાદ કોઈક સ્થળોએ વરસી શકે છે.

દરિયાકિનારાના વિસ્તારોમાં એલર્ટ જાહેર

આજે ભારે પવન ફુંકાવાને લઈને પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યના વિવિધ દરીયાકાંઠે કરંટ જોવા મળી રહ્યો છે. વિવિધ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રનાં દરિયામાં ભારે કરંટ પણ જોવા મળી રહ્યો છે. આજે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાશે.

Leave a Comment